ગીર મધ્યે સુવરડી નેસમાં માલધારી
પર દીપડાનો હિંસક હુમલો
વિસાવદર રેન્જના નેસમાં ગત રાત્રિના 9:30 વાગ્યાનો બનાવ…
વિસાવદર રેંજના ગીર મધ્ય આવેલ સુવરડી નેશમાં ઞત રાત્રિના 9:30 વાગ્યે માલધારી બાથરૂમ કરવા માટે નેશની જાપલી ખોલતા જ દીપડાએ કર્યો હુમલો જેમને તાત્કાલિક વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ આવેલ અને ત્યાંથી વધુ સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કરેલ છે.
ગીરનાં જંગલમાં ભાગ્યે જ બનતો બનાવ ગત રાત્રિના બનવા પામેલ છે. વિસાવદર રેન્જના ગીર મધ્યે આવેલ સુવરડી નેશમાં રહેતા માલધારી કનુભાઈ મધુભાઈ વાંક (ઉ.વ.૩૭) કાઠી દરબાર વર્ષોથી પરિવાર સાથે ત્યાં વસવાટ કરે છે. ગત રાત્રિના 9:30 વાગ્યાની આસપાસ કનુભાઈ જમીને સુવાની તૈયારીમાં હતા ત્યારે બાથરૂમ જવા માટે નેશની જાપલી ખોલતા હતા ત્યારે અડધી જાપલી હજુ ખોલી ત્યાં જ બહાર થી એક ખૂંખાર દીપડાએ કનુભાઈ ઉપર હુમલો કર્યો હતો.
દીપડાએ અચાનક હુમલો કરતા કનુભાઈ પ્રથમ પોતાનો એક હાથ પોતાના મોઢા આગળ રાખી દેતા દીપડાએ તે હાથ માં બટકું ભરી લેતા અને માથાના ભાગે પંજાનો ઘા કરેલ ત્યારે કનુભાઈ પોતાના બીજા હાથથી દીપડાને જોરદાર મુકો મારી ધકો મારતા દીપડો દૂર ખસી ગયેલ અને અવાજો કરતા પરિવારના અન્ય સભ્યો આવી જતા દીપડો ત્યાંથી દૂર જતો રહ્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યોએ મોટરસાયકલ પર કનુભાઈ ને વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે માથાના ભાગે 11 ટાંકા અને હાથમાં સાતથી આઠ ટાંકા લઈ વધુ સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. બનાવની જાણ વન વિભાગને કરતા સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને ત્યારબાદ સ્થળ તપાસણી કરી રાત્રિના જ દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતા.
રિપોર્ટર:- વિપુલ લાલાણી
