મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ મંદિરમાં પૂજા કરવા આવ્યા હતા. જે બાદ તેમણે મંદિરમાં કામ કરતા લોકો અંગે નિવેદન આપ્યું. આ દરમિયાન સીએમ નાયડુએ દેશના તમામ રાજ્યોની રાજધાનીઓમાં વેંકટેશ્વર સ્વામીનું મંદિર બનાવવાની યોજના વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે વિદેશમાં રહેતા ઘણા લોકો મંદિર સ્થાપવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ભગવાન વેંકટેશ્વરની સંપત્તિઓનું વિશ્વભરમાં રક્ષણ કરવા માટે પવિત્ર દોરો બાંધવામાં આવ્યો છે.
મુમતાઝ હોટેલનો પ્લાન રદ કરાયો
તેમણે એમ પણ કહ્યું કે પાછલી સરકારની મુમતાઝ હોટેલ યોજના રદ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મંદિરની સાત ટેકરીઓ આસપાસ કોઈપણ પ્રકારની વ્યાપારી પ્રવૃત્તિની મંજૂરી નથી. પાછલી સરકારે મંદિર ટેકરીની આસપાસ 35.32 એકર જમીન પર મુમતાઝ હોટેલ બનાવવાની યોજનાને મંજૂરી આપી હતી, જેને નાયડુ સરકારે રદ કરી દીધી છે.
‘કોઈની લાગણીઓને ઠેસ ન પહોંચાડો’
સીએમ નાયડુએ કહ્યું કે મંદિરની આસપાસના વિસ્તારોમાં કોઈપણ ખાનગી પક્ષને કોઈપણ વ્યાપારી પ્રવૃત્તિ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જેમને મંજૂરી આપવામાં આવી છે તેઓ મંદિરની આસપાસ ફક્ત શાકાહારી ભોજન પીરસશે. જો કોઈ કોઈપણની ગડબડી કરતુ જોવા મળશે તો સરકાર તેની સામે કડક કાર્યવાહી કરશે. આ દરમિયાન સીએમ નાયડુએ કહ્યું કે અન્ય સમુદાયના લોકોએ મંદિરમાં કામ ન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ બીજા સમુદાયનો હોય તો તેને તેની લાગણીઓને ઠેસ પહોંચાડ્યા વિના બીજી જગ્યાએ નોકરી આપવામાં આવશે.
તિરુમાલાના તિરુપતિ શ્રી વેંકટેશ્વર બાલાજી મંદિરમાં કામ કરતા તમામ બિન-હિન્દુ કર્મચારીઓને દૂર કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ કર્મચારીઓને નિવૃત્તિ અથવા ટ્રાન્સફરમાંથી કોઈ એકની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું છે. તિરુમાલાના તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ તેના કર્મચારીઓને હિન્દુ પરંપરાઓનું પાલન કરવાનો આદેશ આપ્યો હતો. આ કર્મચારીઓ તે નિયમનું પાલન કરતા ન હતા. TTD બોર્ડના અધ્યક્ષ બી.આર. નાયડુના નેતૃત્વમાં નિયમ પહેલાથી જ લાગુ કરવામાં આવ્યો હતો કે મંદિરમાં માત્ર હિન્દુ કર્મચારીઓ જ કામ કરી શકે છે.
TTD નો આદેશ-મંદિરના કાર્યક્રમમાં ભાગ પર પ્રતિબંધ
તપાસમાં જાણવા મળ્યું કે 18 કર્મચારીઓ બિન-હિન્દુ પરંપરાઓનું પાલન કરતા હતા. જેના કારણે તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. TTD ના આદેશો હેઠળ, આ કર્મચારીઓને TTD ના મંદિરો અને સંલગ્ન વિભાગોમાંથી દૂર કરવામાં આવશે. તેમજ આ કર્મચારીઓને તિરૂમલ તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના કોઈપણ હિંદુ ઈવેન્ટ કે ફંક્શનમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત તેમને અન્ય સરકારી જગ્યા પર બદલી કે પછી સ્વૈચ્છિક રાજીનામું જ એક વિકલ્પ આપવામાં આવ્યો છે.
મંદિરની ધાર્મિક પવિત્રતા જાળવવા માટે લેવાયો નિર્ણય-તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ
ટીટીડીએ તેના કર્મચારીઓને હિંદુ પરંપરાઓનું પાલન કરવાની સૂચના આપી છે જેથી તિરુપતિ મંદિર હિંદુ આસ્થા અને પવિત્રતાનું પ્રતિક બની રહે. મંદિરની ધાર્મિક પવિત્રતા જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. હવે આ કર્મચારીઓને સરકારી વિભાગોમાં એડજસ્ટ કરવામાં આવશે અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના દ્વારા દૂર કરવામાં આવશે. બોર્ડે કહ્યું કે આ કર્મચારીઓને બિન-હિંદુ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની મંજૂરી આપવાથી હિન્દુ શ્રદ્ધાળુઓની ભાવનાઓ અને આસ્થાને અસર થઈ શકે છે. TTD એ તેના કર્મચારીઓને ભગવાન વેંકટેશ્વરના ચિત્ર અથવા મૂર્તિની સામે શપથ લેવા કહ્યું છે કે તેઓ હિન્દુ ધર્મના ધોરણોનું પાલન કરશે. આ નિર્ણયને કોઈ ધાર્મિક મૂંઝવણ અથવા વિવાદ તરીકે જોવો જોઈએ નહીં. ટીટીડીએ બે કર્મચારીઓની નિમણૂક કરી છે. તેઓએ સુનિશ્ચિત કરવું પડશે કે આ 18 કર્મચારીઓ મંદિર સંબંધિત કોઈપણ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ ન લે.
