આરોગ્ય કર્મચારીઓની હડતાળ સામે એસ્માનું શસ્ત્ર ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું

ગુજરાતમાં પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી હડતાળ પર છે. હેલ્થ વર્કર, સુપરવાઈઝર અને અન્ય આરોગ્ય કર્મચારીઓની વિવિધ માંગણીઓ સરકાર સામે પડતર છે, જેને લઈને રાજ્યભરમાં હડતાળ ચાલી રહી છે. સરકાર હડતાળથી તંત્ર અને આરોગ્ય સેવાઓ ખોરવાઈ શકે છે તે જોખમને ધ્યાનમાં રાખી હવે હડતાલ ડામવા માટે ‘એસ્મા’ (ધ એસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ) લાગુ કરાયું છે.

હડતાળ અને પડતર પ્રશ્નો.

રાજ્યના આરોગ્ય કર્મચારીઓ વિવિધ મુદ્દાઓ પર સરકાર સામે લડી રહ્યા છે. ટેકનિકલ કેડરમાં સમાવેશ, ગ્રેડ-પે, ખાતાકીય પરીક્ષા રદ કરવી જેવી માંગણીઓ લાંબા સમયથી પેન્ડિંગ છે. હડતાળ કરનારાઓનો આક્ષેપ છે કે સરકાર વારંવાર આશ્વાસન આપે છે, પરંતુ અમલમાં કંઈ પણ લાવવામાં આવતું નથી. હડતાળના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારી મહાસંઘના આગેવાનો અને 25,000 કર્મચારીઓ એકઠા થઈ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાના છે.

સરકારની કડક કાર્યવાહી

રાજ્ય સરકારે હડતાળ સામે આ કડક નિર્ણય લીધો છે. આરોગ્ય સેવાઓને ‘અતિ આવશ્યક સેવા’ જાહેર કરી, હડતાલ રોકવા માટે ‘એસ્મા’ લાગુ કરાયું છે. આ કાયદા હેઠળ સરકાર હડતાળ પર ગયેલા ફિક્સ પગાર કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવા સહિત કડક પગલાં લઈ શકે છે. આ પગલાંથી હડતાળ કરનારાઓમાં અસંતોષ વધુ વધી શકે છે.

ગાંધીનગરમાં કડક પોલીસ બંદોબસ્ત

આજે આરોગ્ય કર્મચારીઓ સચિવાલય ખાતે એકઠા થઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવાની તૈયારીમાં છે. મહાસંઘના આગેવાનો દ્વારા રાજ્ય સરકારના વલણ સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરાયો છે. મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં ઉમટવાના હોવાથી પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે. સચિવાલય અને આસપાસના વિસ્તારોમાં પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હડતાલ અને વિરોધ પ્રદર્શનોનો આકરો સ્વરૂપ ન લે તે માટે રાજ્ય સરકાર તમામ તકેદારી રાખી રહી છે.

નીરવ સુરેલીયા (અમદાવાદ)

Matrubhumi News
Author: Matrubhumi News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

  • Buzz4 Ai
  • Ai / Market My Stique Ai
  • Buzz Open / Ai Website / Ai Tool