સુરતના રસ્તા પરના મંદિર મુદ્દે પાલિકાની નોટિસ બાદ ધાર્મિક સંસ્થાઓએ પાલિકા-કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
હાલમાં પાલિકાએ રસ્તા પર આવેલા ધાર્મિક દબાણ દૂર કરવા માટે પાલિકાએ નોટિસ આપવાનું શરૂ કર્યું છે. થોડા દિવસ પહેલાં પાલિકાના લિંબાયત ઝોનમાં ધાર્મિક સંસ્થાઓ દ્વારા નોટિસ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પાલિકા કચેરી અને કલેકટર કચેરી સામે આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું. વીએચપી અને બજરંગ દળના કાર્યકરો એકઠાં થયા હતા. સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોએ રામધૂન બોલાવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાલિકા તંત્રને જણાવવામા આવ્યું છે કે શહેરમાં 12 જેટલા પૌરાણિક મંદિર છે તેને પણ પાલિકાએ નોટિસ આપી છે તેનો આક્રમક વિરોધ કરીએ છીએ. શહેરમાં સંખ્યાબંધ અન્ય ધાર્મિક સ્થળો છે પહેલા આ ધાર્મિક સ્થળો હટાવવામાં આવે ત્યાર બાદ જ મંદિર હટશે. પાલિકા કમિશનર દ્વારા નોટિસ આપવામાં આવી છે. રસ્તાની આડમાં મંદિરો તોડવાની નોટિસ આપવામાં આવી છે. મંદિરને તોડવા કરતાં વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. હિન્દુઓની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. ત્યારે આ રીતે મંદિર તોડવાની વાતથી આસ્થાનો ભંગ થાય છે. જો પાલિકા દ્વારા પૌરાણિક મંદિરની નોટીસ પાછી નહીં ખેંચાય તો આક્રમક આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી આપી છે.
