
લોકસભા ચૂંટણીના કારણે મોટા પાયે બદલીઓ કરવામાં આવી હતી ત્યારે સુરતના કલેક્ટર આયુષ ઓકની બદલી વલસાડ કરવામાં આવી હતી. જો કે તેમની બદલી થઈ તે પહેલાં જ તેમણે અનેક વિવાદાસ્પદ ઓર્ડરો પર સહી કરી નાખી હોવાના આક્ષેપો થયા હતા. જેમાં સરકારી જમીનો બિલ્ડરોને આપવાના કૌભાંડનો ખુલાસો થયો હતો. આ મામલે સરકાર કેવાં પગલાં ભરે છે એની તરફ સૌની નજર હતી.
સરકારી જમીન ચોપડે ખાનગી માલિકોની
જે વિગતો સામે આવી છે તે મુજબ ડુમસ ગામના સરવે નંબર 311/3વાળી 2,17,216 ચોરસ મીટર જગ્યા સરકારી શીર પડતર તરીકે 1948-49 ના વર્ષથી હતી. સરકારી જમીન હોવા છતાં તેમાં કબજેદાર તરીકે કૃષ્ણમુખલાલ ભગવાનદાસનું નામ ગણોતિયા તરીકે નોંધ નંબર 582 અંતર્ગત દાખલ કરવામાં આવેલું હતું. અત્રે જણાવવાનું કે સરકારી જમીનમાં ગણોતિયા તરીકે નામ દાખલ થઈ શકે નહીં પરંતુ આમ છતાં ખોટી રીતે નામ જોવા મળ્યું.
