સુપ્રીમ કોર્ટે નોટોના બદલામાં મતદાનના મામલે સાંસદોને કોઈપણ છૂટ આપવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના 7 જજોની બંધારણીય બેંચે સોમવારે આ નિર્ણય સંભળાવ્યો. આ રીતે કોર્ટે પોતાના જ જૂના નિર્ણયને પલટી નાખ્યો છે. કલમ 105ને ટાંકીને કોર્ટે કહ્યું કે, લાંચના કેસમાં સાંસદોને કોઈ રાહત આપી શકાય નહીં. 1993માં નરસિમ્હા રાવ સરકારના સમર્થનમાં મત આપવા માટે સાંસદોને લાંચ આપવાના આરોપો લાગ્યા હતા.
આના પર 1998માં 5 જજોની બેન્ચે 3-2ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે, સંસદમાં સાંસદ જે પણ કામ કરે છે, તે તેમના વિશેષાધિકારમાં આવે છે. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે વિશેષાધિકારની વ્યાખ્યા બદલી છે. ખંડપીઠે કહ્યું કે, કલમ 105 સામાન્ય નાગરિકોની જેમ સાંસદો અને ધારાસભ્યોને લાંચ લેવાથી મુક્તિ આપતી નથી. વાસ્તવમાં 1998ના નિર્ણયમાં બંધારણીય બેંચે કહ્યું હતું કે, જો સંસદમાં કોઈ કામ થાય છે, તો તે સાંસદોનો વિશેષાધિકાર છે અને તેના પર કાર્યવાહી થઈ શકે નહીં. પરંતુ હવે કોર્ટ દ્વારા નવા નિર્ણય સાથે તે રાહત પાછી ખેંચી લેવામાં આવી છે.
જો લાંચ લેવામાં આવશે તો સામાન્ય નાગરિકોની જેમ કેસ ચલાવવામાં આવશે.
આ નિર્ણય અનુસાર જો સાંસદો વોટના બદલામાં લાંચ લેશે તો તેમની સામે પણ સામાન્ય નાગરિકોની જેમ કાર્યવાહી કરવામાં આવશે. ભલે તેણે સંસદમાં પ્રશ્નો પૂછવા માટે જ લાંચ લીધી હોય.
આ મુદ્દે કડક વલણ અપનાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે સાંસદો દ્વારા લાંચ લેવી કે ભ્રષ્ટાચાર કરવો એ બંધારણના સિદ્ધાંતો અને આદર્શોનું ઉલ્લંઘન છે.
