ગુજરાત કૌભાંડી અધિકારીઓ માટે લીલી વાડી બની ગયું છે. અહીંયા સરકારના આંખ મિચામણા અને કોર્ટના આદેશોની ધરાર અવગણના થયા કરે છે. તેનું તાજું ઉદાહરણ હમણાં જ સામે આવ્યું છે. ચોટિલાના સસ્પેન્ડેડ નાયબ મામલતદાર વિજય ચૌહાણ કે જેમની 2019માં બામણબોર જીવાપરા ખેતી જમીન કૌભાંડમાં ધરપકડ કરાઈ હતી, હવે તેમના નામે વધુ એક કાંડ સામે આવ્યો છે. ડિસેમ્બર 2024માં વિજય ચૌહાણ સામે વધુ એક કેસ થયો છે.
રાજ્યમાં ભલે સુશાસન હોય કે નહીં પણ ભ્રષ્ટ અધિકારીઓનું પોતાનું એકબીજા માટે સુશાસન છે. કૌભાંડ વિજય ચૌહાણ જ એન્ટિ કરપ્શન બ્યૂરોનું માળખું ચલાવતો હતો. તેનું મોટું ઉદાહરણ એ છે કે, જ્યારે તેના દ્વારા જામીન માગવામાં આવ્યા ત્યારે એસીબી દ્વારા તેનો કોઈ વિરોધ કરાયો નહોતો. વિજય ચૌહાણ દ્વારા 2019ના ગુનાના શરતી જામીનની શરતોનો ભંગ કરાયો હોવા છતાં એસીબીએ કોઈ પગલાં લીધા નહીં કે કોર્ટને કશું જ કહ્યું નહીં. વર્ષ 2024માં વિજય ચૌહાણ સામે કેસ દાખલ થયો, ત્યારે તે જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં ગયો હતો. તે વખતે એસીબીએ જણાવ્યું નહીં કે, આ અધિકારી જામીનની શરતો ભંગ કરીને એક સરખા એક સરખા કૌભાંડો કરે છે. આવા ગુના કરવાની તેને આદત છે. એસીબીએ આ મુદ્દે મૌન ધારણ કરી લીધું તેના પ્રજાજનોમાં મોટા પડઘા પડયા છે.
અપ્રમાણસર સંપત્તિના કેસમાં પણ એસીબીની મિલિભગત
વિજય ચૌહાણ સામે કરપ્શન એક્ટની કલમ 13 હેઠળ અપ્રમાણસર સંપત્તી રાખવાનો પણ કેસ કરવામાં આવેલો છે. તે ચોટિલાના નાયબ મામલતદાર હતા તે સમયે તેમના દ્વારા મોટાપાયે સંપત્તી ખરીદવામાં આવી હોવાના આરોપો હતા. તે વખતે એસીબીના તત્કાલિન ડીવાયએસપી ભારતીબેન પંડયા દ્વારા તેમની સામે તપાસ પણ કરવામાં આવી રહી હતી. વિજય ચૌહાણે એસીબીના અધિકારી ગેહલોત સાથે સાંઠગાંઠ કરી લીધી હતી. જેના કારણે 2023માં એસીબી દ્વારા વિજય ચૌહાણના કેસમાં ક્લોઝર રિપોર્ટ પણ ફાઈલ કરી દેવાયો હતો. વિજય ચૌહાણે બે વર્ષમાં અધધ સંપત્તી ખરીદી હોવા છતાં તેની તપાસ કર્યા વગર ક્લોઝર રિપોર્ટ ફાઈલ કરી દેવા હતો. તેની સામે મની લોન્ડરિંગનો પણ કોઈ કેસ થયો નહીં કે તપાસ કરવામાં આવી નહીં.
ગુજરાતમાં અધિકારીઓનું આત્મનિર્ભર કૌભાંડ મોડલ
વિજય ચૌહાણ તો એક અધિકારી છે જેમની સામે કૌભાંડના કેસ ચાલે છે, તેઓ જામીન ઉપર છે છતાં બીજા ગુના આચરતા જાય છે. આવા અધિકારીઓ સામે જોનાર કે પગલાં લેનારું કોઈ નથી. આ અધિકારીઓ અને સરકાર કોર્ટના આદેશનું પણ ધરાર ઉલંઘન કરી નાખે છે છતાં કોઈના પેટનું પાણી હાલતું નથી. મહત્ત્વની વાત એ છે કે, જેતે સમયે ચૌહાણ સામે તપાસ કરનારા ભારતીબેન પંડયા દ્વારા એસીબીના ક્લોઝર રિપોર્ટ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે.
તેમણે એસીબીના ઉપરી અધિકારીઓ દ્વારા ફાઈલ કરાયેલા આ રિપોર્ટને પડકારવામાં આવ્યો છે. તેના માટે 15મી માર્ચે સુનાવણી હાથ ધરાવાની છે. આ સુનાવણી હાથ ધરાશે ત્યારેની વાત ત્યારે પણ અત્યારે વિચારવા જેવું એ છે કે, ગુજરાતમાં આ કેવું અધિકારીઓનું આત્મનિર્ભર કૌભાંડ મોડલ ચાલે છે. જે અધિકારી સામે 3 વખત કેસ દાખલ થયા હોય, તેની સામે અપ્રમાણ સંપત્તીનો કેસ ચાલતો હોય તેમ છતાં તેને શરતી જામીન મળે. જામીન મળ્યા બાદ આ જ અધિકારી જામીનની શરતો ભંગ કરીને પહેલાંના જેવા જ ગુના આચરે છતાં સરકાર મૂક પ્રેક્ષક બનીને જોયા કરે.
ભરૂચ જિલ્લાની વક્ફ બોર્ડની જમીન પચાવી પાડીને 4 કરોડ રૂપિયા ઊભા કરવાનો કેસ તેમની સામે નોંધાયો છે. આ કૌભાંડમાં વિજય ચૌહાણે પોતાના ડ્રાઈવરનો વચેટિયા તરીકે ઉપયોગ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા ૨૦૧૪માં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં ડ્રાઈવરના નામનો ઉલ્લેખ છે. આ બંને કેસમાં ઘણી સામ્યતાઓ છે જે હવે સામે આવી છે.
પહેલી બાબત એવી છે કે, ચૌહાણને 2019ના કેસમાં શરતી જામીન આપવામાં આવ્યા હતા. તેમાં જણાવાયું હતું કે, ‘તે પોતાના જામીનનો દુરુપયોગ નહીં કરે તથા ફરીથી આવા સમાંતર કોઈ ગુનામાં તેની સંડોવણી બહાર આવશે નહીં. જામીન પછી જો કોઈ આવો સમાંતર કેસ આવશે તો તેની ગંભીર નોંધ લેવાશે.’
બીજી બાબત એ હતી કે, ‘એસીબી દ્વારા કરપ્શન એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, ‘વિજય ચૌહાણ દ્વારા જામીનની શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. તેની સામે ફરીથી એવા જ કેસમાં ફરિયાદ થઈ છે, જેવા 2019માં ચોટિલા જમીન કાંડમાં ફરિયાદ થઈ હતી.’











