જરાત ATS એ ફરી એકવાર ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. થોડા દિવસો પહેલા સુરત જિલ્લામાં પલસાણા તાલુકામાંથી પકડવામાં આવેલી ડ્રગ્સ ફેક્ટરીમાં ઝડપાયેલા આરોપીઓની તપાસમાં મહારાષ્ટ્ર કનેક્શન સામે આવ્યું હતું. ગુજરાત એટીએસની ટીમે મહારાષ્ટ્રના ભિવંડીમાં દરોડા પાડતા ત્યાંથી પણ ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં સફળતા મળી છે. જોકે ગુજરાત ATSને ત્યાંથી કરોડો રૂપિયાની કિંમતનું લિક્વિડ ફોર્મમાં ડ્રગ મળી આવ્યું છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.ગુજરાતી ATS એ મોહમદ યુનુસ ઉર્ફે એજાઝ અને મોહમદ આદિલ નામના બે આરોપીઓની મહારાષ્ટ્રના ભીવંડી ખાતેથી ધરપકડ કરી છે. ગત 18 જુલાઈ 2024 ના રોજ ગુજરાત ATSએ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં એમ.ડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી પાડી હતી. જેમાં 51 કરોડથી વધુની કિંમતનું 4 કિલો મેફેડ્રોન તેમજ 31.409 કિલો લિક્વિડ મેફેડ્રોન મળી આવ્યું હતું. જે કેસમાં ઝડપાયેલા સુનિલ યાદવ નામના આરોપીની તપાસ કરતા તે આ આરોપીઓ સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. જેથી ગુજરાત ATS દ્વારા અલગ અલગ ટીમો બનાવી મહારાષ્ટ્રના ભિવંડી ખાતે નદીનાકા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. જ્યાં ગુજરાત ATS એ ફ્લેટમાં તપાસ કરતા ત્યાંથી 10.969 કિલોગ્રામ સેમી લિક્વિડ એમ.ડી તેમજ બેરલમાં ભરેલું 782.263 કિલોગ્રામ લિક્વિડ એમ.ડી મળી આવ્યું હતું.ગુજરાત ATS એ 800 કરોડ રૂપિયાની કિંમતના ડ્રગ્સ સાથે ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓ કબજે કરી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યુ કે મોહમદ યુનુસ દુબઈથી ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓની સ્મગલીંગની પ્રવૃત્તિમાં પણ સામેલ હતો. તેને દુબઈ ખાતે એક વ્યક્તિ મળ્યો હતો, જેની સાથે મળીને તે અને તેના ભાઈ મોહમદ આદિલે એમ.ડી ડ્રગ્સના ઉત્પાદન અને વેચાણ માટેનો પ્લાન બનાવ્યો હતો. મોહમદ યુનુસ અને મોહમદ આદિલ બંને એમ.ડી ડ્રગ તૈયાર કરવા માટે છેલ્લા આઠ નવ મહિનાથી ભિવંડી ખાતે ફ્લેટ ભાડે રાખ્યો હતો. અને એમડી ડ્રગ બનાવવા માટે રો મટીરીયલ અલગ અલગ રીતે એકત્રિત કર્યું હતું.











