પૂર્વ વિસ્તારમાં જાહેરમાં છેડતી અને પીછો કરીને મહિલાઓને હેરાન પરેશાન કરવાના કિસ્સા વધી રહ્યા છે, ખોખરામાં એક તરફી પ્રેમમાં પાગલ પડોશી યુવકે હદ વટાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મહિલાના ઘરે આવીને તું કેમ મારો ફોન ઉપાડતી નથી તેમ કહીને તકરાર કરીને ગાળો બોલ્યા બાદ પીછો કરીને છેડતી કરીને મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખોખરા વિસ્તારમાં રહેતી અને નવરંગપુરામાં ખાનગી કંપનીમાં નોકરી કરતી ૩૬ વર્ષની મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના લગ્ન થઇ ગયા હતા પરંતુ સાસરીયા સાથે મનમેળ ના થતા વર્ષ પહેલા છૂટાછેડા લીધા હતા. બીજીતરફ પડોશમાં રહેતો યુવક મહિલા સાથે એક તરફી પ્રેમ કરતો હતો.
૨૨ દિવસ પહેલા યુવક મહિલાના ઘરે આવ્યો હતો અને તું કેમ મારો ફોન રિસિવ કરતી નથી કહીને તકરાર કરી હતી અને પરિવારના સભ્યો સાથે પણ ઝગડો કરીને ગાળો બોલી હતી. એટલું જ નહી તું હવેથી મારો ફોન ઉપાડીશ નહી અને હું કહું તેમ નહી કરે તો તને તથા તારા ઘરના સભ્યોને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ મહિલા નોકરીએ જતી ત્યારે પીછો કરીને છેડતી કરતો હતો અને ફોટા પાડીને અને વિડિયો ઉતારી તથા ખોટી ખોટી ચિઠ્ઠીઓ લખીને બદનામ કરવા પ્રયાસ કરતો હતો. આ ઘટના અંગે ખોખરા પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.











