પાકિસ્તાનના પંજાબમાં સોમવારે મોડી રાત્રે અજાણ્યા બંદૂકધારીઓએ પાકિસ્તાની સેનાના નિવૃત બ્રિગેડિયર અને ISIના મહત્ત્વના વ્યક્તિ આમિર હમઝાની હત્યા કરી નાખી હતી. હમઝા ભારત વિરુદ્ધ આઈએસઆઈની આગેવાની હેઠળની કાર્યવાહીમાં સામેલ હોવાનું જાણીતો હતો. અને તે જમ્મુ-કાશ્મીરમાં સુંજવાન આર્મી કેમ્પ પર 2018માં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. આ હુમલામાં છ જવાન શહીદ થયા હતા. તેમજ 12 કરતા પણ વધુ ઈજાગ્રસ્ત થયા હતા.
નોંધનીય છે કે ભારતમાં ISI પ્રાયોજિત આતંકવાદી હુમલા સાથે જોડાયેલા પાકિસ્તાની આતંકવાદીઓની સતત હત્યા થઈ રહી છે. અગાઉ એપ્રિલની શરૂઆતમાં, આમીર સરફરાઝને ઠાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અજાણ્યા લોકોએ ડિસેમ્બરમાં કરાચીમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર અદનાન અહેમદ ઉર્ફે અબુ હંઝાલાની પણ હત્યા કરી હતી. જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી શાહિદ લતીફ 2016માં પઠાણકોટ એરબેઝ પર હુમલો કરનાર ફિદાયીન ટુકડીનો મુખ્ય સંચાલક હતો. ઓક્ટોબરમાં સિયાલકોટની એક મસ્જિદમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.
