જામીન માટે વલખાં મારતાં તથ્ય પટેલની બહાનાબાજી ન ચાલી, હાઈકોર્ટે કહ્યું – આ તો સામાન્ય બાબત
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પોતાની કાર વડે અકસ્માત સર્જનાર તથ્ય પટેલે ફરી એકવાર બહાનાબાજી કરીને હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેની અરજીને હાઈકોર્ટે માન્ય ન રાખીને ફગાવી દીધી હતી. પોતાની અરજીમાં તથ્ય પટેલે છાતીમાં તકલીફ છે એવું બહાનું કાઢ્યું હતું, જો કે કોર્ટે આ તો સામાન્ય બાબત છે તેમ કહીને અરજી ફગાવી દીધી હતી.
ગુજરાત હાઈકોર્ટ તથ્ય પટેલની અરજીને ફગાવી
2023ની 19 અને 20 જુલાઈ વચ્ચેની રાત્રિ દરમિયાન એસ.જી. હાઈવે ખાતે ઈસ્કોન બ્રિજ પર પોતાની મોંઘેરી કારને પૂરપાટ ઝડપે દોડાવતાં એક સાથે 9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલ હવે જામીન માટે વલખાં મારી રહ્યો છે. તેણે જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તેણે અરજીમાં બહાનું કાઢ્યું કે મને છાતીમાં તકલીફ થાય છે અને હૃદયના ધબકારાં પણ અનિયમિત છે એટલા માટે સારવારની જરૂર છે જેથી મેડિકલ આધારે મને જામીન આપવામાં આવે. આ સામે હાઈકોર્ટના જજે તેની જામીન અરજી ફગાવતાં કહ્યું કે આ તો સામાન્ય બાબત છે. આવું તો થયા કરે. આજના સમયમાં આ નોર્મલ થઇ ગયું છે. તથ્યની જામીન અરજી ફગાવાતા છેવટે તેણે અરજી પાછી ખેંચવી પડી. અગાઉ પણ ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટ તેની જામીન અરજી ફગાવી ચૂક્યા હતા.
ધટના શું હતી અને કઈ કઈ કલમો હેઠળ કેસ દાખલ કરાયો હતો
ઉલ્લેખનીય છે કે 19 જુલાઈ, 2023ની મોડી રાત્રે અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે ઘણાં લોકો જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. તથ્ય હાલ સાબરમતી જેલમાં કેદ છે. આ કેસમાં આરોપી તથ્ય પટેલ સામે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2), 114, 188 મોટર વ્હીકલ એક્ટ 177, 184, 134B મુજબ ગુનો દાખલ થયો હતો.
