સાયબર એક્સપર્ટે પોલીસની જાણ બહાર ૪૧ લાખની ક્રિપ્ટો કરન્સી પડાવી, મણીનગર પોલીસે સાઈબર એક્સપર્ટની કરી ધરપકડ

શહેરના દાણીલીમડા વિસ્તારમાં ડીસીપી ઝોન-૬ના સ્ક્વોડ દ્વારા દરોડો પાડીને ગેરકાયદેસર કોલ સેન્ટર પર દરોડો પાડીને ૩૩ મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ  જપ્ત કરીને કેસની તપાસ માટે ખાનગી સાયબર એક્સપર્ટની મદદ લીધી હતી. પરંતુ, તે સાયબર એક્સપર્ટે મોબાઇલની ચકાસણીના નામે એક મોબાઇલમાં આવેલા બાઇનાન્ટસ ટ્રેડીંગ એકાઉન્ટમાં રહેલા ૪૧ લાખની કિંમતના  ક્રિપ્ટોને પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.  કોલ સેન્ટરના આરોપીએ તેના ક્રિપ્ટોની ચોરી અંગે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરતા સમગ્ર ભાંડો ફુડયો હતો. આ અંગે મણિનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી

આ સમગ્ર બનાવની વિગતો એવી હતી કે ગત ૩૦મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ડીસીપી ઝોન-૬ની એલસીબીના પીએસઆઇ મનીષ બ્રહ્યભટ્ટ અને તેમના સ્ટાફે દાણીલીમડા બોમ્બે હોટલ પાસે આવેસી ઝૈનબ રેસીડેન્સીમાં દરોડો પાડીને ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા અયાઝ શેખ નામના યુવકની ધરપકડ કરીને ૩૩ મોબાઇલ ફોન,રોકડ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં ટેકનીકલ એનાલીસીસ કરવા માટે પોલીસે ખાનગી સાયબર અક્સપર્ટ દેવેન્દ્ર પટેલ ( શગુન એપાર્ટમેન્ટ, ઝુંડાલ સર્કલ, ગાંધીનગર)ની મદદ લીધી હતી. તેણે પોલીસે જપ્ત કરેલા તમામ ૩૩ મોબાઇલ ફોન અને લેપટોપની ચકાસણી કરીને રિપોર્ટ આપ્યો હતો. ત્યારબાદ વધુ તપાસ માટે તમામ મુદ્દામાલ ગાંધીનગર ફોરેન્સીક લેબમાં મોકલી અપાયો હતો.

બીજી તરફ કોલ સેન્ટર કેસના આરોપી અયાઝ શેખે પોલીસને લેખિતમાં રજૂઆત કરી હતી કે પોલીસે જપ્ત કરેલા ૩૩ મોબાઇલ ફોન પૈકી એક મોબાઇલમાં તેનું બાઇનાન્સનું ટ્રેડીંગ એકાઉન્ટ હતું. જેમાં ૪૮,૩૦૦ જેટલા યુએસડીની કિંમતના ક્રિપ્ટો હતા. જેની ભારતીય કરન્સી મુજબની કિંમત આશરે ૪૧ લાખ જેટલી હતી.  તેને ઇમેઇલ આવ્યો હતો કે તેનું બાઇનાન્સનું એકાઉન્ટ બ્લોક છે અને ક્રિપ્ટો અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે.

આ બાબતને ગંભીરતાથી લઇને ડીસીપી રવિ મોહન સૈનીએ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં ક્રિપ્ટો વોલેેટની વિગતો મળતા પોલીસે ખાનગી સાયબર એક્સપર્ટ દેવેન્દ્રને બોલાવીને પુછપરછ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે તેણે શેખ અયાઝના એક મોબાઇલ ફોનમાં બાઇનાન્સ ટ્રેડિંગ  એકાઉન્ટમાં રહેલી તમામ ક્રિપ્ટો કરન્સી તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી.  પોલીસે સમગ્ર કેસની તપાસ યોગ્ય રીતે થાય તે માટે દેવેન્દ્રનોે મોબાઇલ ફોન તપાસ માટે એફએસએલમાં મોકલ્યો હતો. જેમાં તેણે શેખ અયાઝનું બાઇનાન્સ એકાઉન્ટ બ્લોક પણ કરાવ્યાનુ  ખુલ્યું હતું. આમ સાયબર એક્સપર્ટનો ભાંડો ફુટતા આ અંગે મણિનગર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Matrubhumi News
Author: Matrubhumi News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz Open / Ai Website / Ai Tool